ભાષારૂપી આકાશગંગામાં શબ્દએ ઝળહળતા તારા જેવો છે.

સજણ અજીજ વાચક ભાવર…આજે આપણે સમાનાર્થી શબ્દોને જોઇશું. જેનો કચ્છીભાષામાં ઘણો જ વિસ્તાર જોવા મળે છે. શબ્દજો સંજીરો તો કેલિડોસ્કોપ જેવો છે, જેમ તેમાં અનેક રંગીન ભૌમિતિક આકૃતિઓ રચાતી જોવા મળે છે તેમ  સંજીરામાંથી નીકળેલા અને નીવળેલા શબ્દોના અનેક રંગીન અર્થભેદો દશ્યમાન થાય છે.

                આપણે જે બોલીએ છીએ એનું એકમ શબ્દ છે. આપણી વર્ણમાલામાં સ્વર અને વ્યંજન બંને છે. સ્વર કોઈની પણ મદદ વિના બોલી શકાય છે, જ્યારે વ્યંજનો સ્વતંત્ર રીતે ઉચારાતા નથી. વ્યંજનો સ્વરના આધારે જ બોલી શકાય છે. એટલે દરેક સ્વર એક અક્ષર છે. સ્વરને આધારે એક કે વધુ વ્યંજન બોલાય છે તે સ્વર-વ્યંજન મળીને એક જ અક્ષર-શ્રુતિ-છે. આ શ્રુતુ શબ્દ પરથી કચ્છીભાષામાં ‘સો, ‘સુયો, ‘સુણાણું’સાંભળ્યુંના પર્યાયરૂપે શબ્દો આવ્યા હોય એમ માની શકાય, સંસ્કૃત સાથે કચ્છીભાષાનો આ નાડનો સંબંધ રહ્યો છે.

                આજે અહીં આપણે કેટલાક સમાનાર્થી શબ્દો અને તેનું અર્થ ઊડાંણ જોઈશું. પ્રથમ ‘ખડકી’ ના સમાનાર્થી શબ્દોને જોઈશું. જે દુહામાં આલેખાયેલા છે.

ખડકી (દુહો)

ખડકી ગડ઼ખી, ગોંખલો, ધરી, બિટો, કબાટ,

આરીઓ, સંજીરો મિડૅ, નિંઢા વડા અઇં ઘાટ.

                ઉપરોક્ત દુહાનો ‘ખડકી’શબ્દ સંભવત સંસ્કૃત ‘ખડક્કી’ શબ્દ પરથી કચ્છીભાષામાં આવ્યાનું માની શકાય. પણ સંસ્કૃતમાં તેનો અર્થ ”ઘર આગળ બાંધેલી બારણાવાળી જગ્યા.” થાય છે. પણ આપણેતો દીવાલમાં રાખેલા ગોંખલાને “ખડકી” કહીએ છીએ. શબ્દો જેમ તત્સમમાંથી તદ્દભવ થઈ અન્ય ભાષામાં આવતા હોય છે તેમ ઘણીવેળા શબ્દો સાથે અર્થચિત્રો પણ બદલાતા હોય છે. અહીં પણ એમ થવા પામ્યું છે. ઘરની અંદરની દિવાલોમાં કંઈપણ વસ્તુ રાખવા માટે બનાવવામાં આવતી દરવાજા યુક્ત રચના. જેના પર્યાયવાચી શબ્દ ઉરોક્ત દુહામાં આલેખાયેલા છે.

                આ ‘ગડખી’ દ્દેશ્ય શબ્દ હોવાનું માની શકાય લોકસમુદાયે વર્ણસામિપ્યને સ્વીકારી લીધું છે. એટલે વર્ણમાલામાં ‘ખ’ પછી આવતો ‘ગ’એમને કોઠે પડી ગયેલો દેખાય છે. તો ‘ગોંખલો’શબ્દ પણ સંસ્કૃતના ‘ગવાક્ષ’શબ્દ પરથી ‘ગોખ’ અને કાળક્રમે ‘ગોંખલુ’ થઈને  આવ્યાનું કહી શકાય. કચ્છીભાષામાં ‘ગોંખ’ કે  ‘ગોંખલો છૂટથી બોલાય છે.

                દુહાના દ્વિતિય ચરણનો ‘ધરી’  શબ્દ પણ “ધરવું”, “રાખવું” જેવા ‚રૂપવિધાન સાથે સંસ્કૃતના ‘ધૃ’ પરથી તેનું આગમન થયાનું ચોક્કસ કહી શકાય. આ જ ચરણનો આગળનો શબ્દ ‘બિટો’એ યુગ્મ, જોડકું ‘દ્વિત્વ’અંકને બતાવે છે. પણ તેનું ભાષામાં ક્યાંથી આગમન થયું તે કહેવું જરા મુશ્કેલ છે. જ્યારે ‘કબાટ’ શબ્દ સંસ્કૃત ‘કપાટ’ અને અંગ્રેજી ‘કપબોર્ડ’ પરથી આવ્યાનું નકારી શકાય નહીં. તો દુહાના ત્રીજા ચરણનો ‘આરિયો’ શબ્દ દેશ્ય હોવું જોઈએ. જે  ‘બિટો-આરિયો’  એમ સંયુક્ત રીતે પ્રચલિત છે.

                પછીનો ‘સંજીરો’ શબ્દ અગાઉના પ્રકરણમાં આપણે તેના અર્થ અને તેની બનાવટ વિશે માહિતગાર થયા છીએ. એટલે અહીં તેનો પુન:ઉલ્લેખ અસ્થાને ગણાશે.

                દુહાના ચોથા ચરણમાં રચનાકાર પોતે કહે છે કે, આ બધા સાંપ્રત સમયાનુસાર જોઈએ તો તેને ‘કબાટ’તરીકે મૂલવી શકાય. અને એમ કહી શકાય કે ઉપરોક્ત બધા કબાટના નાના મોટા સ્વરૂપો છે. તે સ્વીકારવું જ રહ્યું. 

                હવે નીચેના દુહામાં ‘છટાણું’શબ્દના પર્યાયવાચી શબ્દો અને તેના અર્થને આપણે જોઈએ.                        

છટાણું (દુહો)

છટાણું, મૅલો, ગંધો, કિનું, લિગરો, કિછરો જાણ,

અઇં સૂગ઼ ચડ઼ે ઍડ઼ે અરથમેં, સમાન મિડ઼ૅ પિરમાણ.

                અહીં મૂળ શબ્દના પર્યાવાચી શબ્દો આપેલા જ છે. અને દરેક શબ્દ પર થતી ચર્ચા આપણા શબ્દજ્ઞાનમાં વધારો કરશે એ હેતુથી આ દુહાના ‘છટાણું’ શબ્દને લઈએ તો આ શબ્દ ગંધ કે દૂર્ગંધ‚અને પ્રદાર્થના દેખાવ પરથી આવ્યાનું અનુમાન લગાવી શકાય. જોકે તેને બીજી રીતે દેશ્ય શબ્દ કહી શકાય કે નહીં? એ વિચારવા જેવું ખરું.

                પછીનો ‘મૅલો’ શબ્દ પણ સંસ્કૃતભાષાના ‘મલિન’ શબ્દ પરથી ઉતરી આવ્યું છે. અહીં  ‘મૅલો’માં ‘મે’ નો ઉચ્ચાર વિવૃત થાય છે. અને ‘ગંધો’શબ્દ જે ફારસીભાષાના ‘ગંદ’ પરથી આવ્યું છે. અહીં અન્ય શબ્દોની જેમ ‘દ’નો ‘ધ’ થયાનું જોવા મળે છે. આપણે અગાઉના ઘણા પ્રકરણોમાં જોઈ ગયા પણ ! સંસ્કૃત ભાષામાનું ‘ગંધ’શબ્દ દુર્ગંધ કે દુર્ગંધયુક્ત હોય તેવું દાગ,ધાબું વગેરે દર્શાવતું કચ્છીભાષામાં પ્રચલિત થયાનું હોઈ શકે. અહીં આ શબ્દ સમાન ઉચ્ચાર અને સમાન અર્થ સાથે કચ્છીભાષામાં પ્રચલિત છે. તો તેને આપણે તદ્દભવ શબ્દ માની લઇએ. સસ્કૃતભાષામાં તેના અન્ય બીજા ઘણા અર્થ થાય છે. પણ કચ્છીભાષામાં તેના પર્યાયરૂપે શબ્દો ન હોવાથી તેનો ઉલ્લેખ ગૌણ ગણી શકાય.

                પછીના ‘લિગરો’ શબ્દ જોઈએ તો, તેના અન્ય બીજા ઘણા અર્થ થાય છે. દા.ત. લગરવગર, વાત કરતાં મૂકે નહીં એવો. વગેરે… કચ્છી ભાષામાં આ શબ્દ અનેકાર્થી શબ્દ તરીકે જોવા મળે છે. એટલે ‘ભાષારૂપી આકાશગંગામાં શબ્દએ ઝળહળતા તારા જેવો છે.’

                આ બધા શબ્દોના પ્રમાણરૂપ સર્જકે દુહાની બીજી પંક્તિ એટલે કે, ત્રીજા અને ચોથા ચરણમાં તેનું પ્રમાણ આપી ઉપરોકત બધા  શબ્દોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે.

                કચ્છીભાષાના વાચન-લેખન અને સાહિત્ય પ્રિતી અંગે વારંવાર ચિંતા સેવાય છે. પરંતુ જો ઉગતી પેઢી સાથે ઉચિત પદ્ધતિથી આયોજન પૂર્વક સંવાદ સાધી શકાય તો અનેક આશાસ્પદ સાહિત્યકારો તૈયાર થઈ શકે. હરકોઈ સાહિત્યિક રીતે કે વ્યક્તિગત રીતે આ બાબત વિચારે અને નિષ્ઠાથી કામ કરે તો કચ્છીભાષાને ભાષાનો દરજ્જો મળે એ વાત હાથવેંતમાં છે એમ કહેવું જરા પણ અતિશ્યોક્તિ નથી.

Leave a comment