લક્કી ટેકરી (હોથી વડવા) રાઈબાઈની એકનિષ્ઠ ભક્તિની ગાથા

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તાલુકામાં આવેલા કોટડા-ચકાર ગામ. આ બંને ગામો એક બીજાથી એટલા નજીક છે કે તેઓના નામ એકબીજાના પર્યાય બની ગયા છે. બંને ગામોની મુખ્ય વસ્તી આહિર ખેડૂતો અને પશુપાલકોની. અન્ય જ્ઞાતિઓની વસ્તી પણ ખરી, જે ખેતી અને ખેડૂતોના આધારે પોતાનું ગુજરાન ચલાવતી.

આ પ્રદેશનો રળિયામણો ડુંગર વિસ્તાર કટિમેખલા સમાન શોભી રહ્યો છે. ચોતરફ હરિયાળી અને ક્યાંક ક્યાંક સપાટ ભૂવિસ્તાર દૂર દૂર સુધી પથરાયેલો નજરે પડે છે. ભુજથી આશરે ૧૭-૧૮ કી.મી. નાં અંતરે આ બંને ગામો આવેલા છે. અને બરાબર તેની નજીક એક એવી ટેકરી (ભિટ્ટ) આવેલી છે કે જે ગૌરવવંતી ઐતિહાસિક ગાથા સાચવીને બેઠી છે.  

અહીં આ લક્કી ટેકરી પર મેઘવંશી મારવાડા સમાજના ઈષ્ટદેવ ‘પીર પિથોરા દેવ’નું રળિયામણું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજના મેળો ભરાય છે અને મેઘવંશી મારવાડા સમાજની પરંપરા પ્રમાણે ભૂજોડી અને નાના બંદરાથી નેજો આવે છે. અને રાત્રે અનન્ય શ્રદ્ધાથી પાટકોરી ભજન-ભાવ વગેરે થાય છે.

વાત જાણે એમ છે કે; સિંધ પાકિસ્તાનમાં ‘માળી’ નામે એક ગામ..અને લોકવાયકા પ્રમાણે ત્યાં ‘પીર પિથોરાજી નામના મહાપ્રતાપી દેવ આજથી આશરે ૩૦૦-૩૫૦ વર્ષ પહેલા નિજિયાધર્મના પ્રસાર પ્રચાર માટે અવતાર ધારણ કર્યો હતો.

જે તે સમયે તેમના સત્સંગની સુવાસ સિંધ, કચ્છ-કાઠિયાવાળમાં ખુબજ ફેલાયેલી હતી. આ સુવાસથી પ્રેરાઈને કચ્છથી અનેક જ્ઞાતિઓના લોકો સિંધ તેમના દર્શનથી ધન્ય થવા સંઘસ્વરૂપે પગપાળા જતાં. જેમાં કચ્છથી મારવાડા સમાજનો સંઘ પણ દર વર્ષે સંઘસ્વરૂપે જતો. આ સમાજને પીર પિથોરાજી પર ખુબજ આસ્થા હોતાં ઘણી વખત એકજ ઘરના બે બે સભ્યો પણ સંઘમાં જોડાતા.

તત્ સમયના એક સંઘમાં એક પગે અપંગ અને નેત્રવિહિન મોટાબંદરાના મારવાડા સમાજના એક મહિલા ભક્ત રાઈબાઈ પણ તેમાં જોડાયા. ગામના માણસો તેમને આ યાત્રામાં સાથે ન આવવા ઘણું સમજાવ્યું. પણ રાઈબાઈને તો પિથોરાપીરજીના દર્શનની તિવ્ર ઝંખના હતી. અને તેમને સાથે લઈ જવા સંઘને  વિટંબણા એ હતી કે, તેમના થકી સમસ્ત સંઘને કેટલીક સમસ્યાઓ ઊભી થતી હતી. એટલે તેઓ ઈચ્છતા હતા કે રાઈબાઈ ન ચાલે તો સારું. નહીં તો એક વ્યક્તિના લીધે સમસ્ત સંઘને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પણ રાઈબાઈએ તો પોતાને સંઘમાં ચાલવાની જીદ પકડી રાખી હતી. અને અંતે રાઈબાઈને પીથોરાપીરની દર્શનની અભિલાષા આગળ સંઘને નમવું પડ્યું અને તેમને યાત્રામાં સાથે લઈ જાવા માટે સૌ તૈયાર થયાં.

થોડા દિવસો પછી શુભ તિથિએ રાઈબાઈ સાથે પીથોરાપીરના દર્શન કરવા સંઘે સિંધ તરફ પ્રયાણ કર્યું.

રાઈબાઈના દિલમાં હરખ મા’તો નો’તો, નામ સ્મરણ સાથે તેઓ પોતાના વિકલાંગપણાને ભૂલી ગયા હતા. સતત નામ સ્મરણના તંતુનો સંધાન રાઈબાઈ આત્મસાત કરી રહ્યાં હતાં. પણ નેત્રહીનતા અને પંગુતાના લીધે તેમને ચાલવામાં ઘણી મુશ્કેલીઓ થવા લાગી પણ આ વાત તેમને જરાય અનુભવાતી ન હતી. જ્યારે સંઘમાં તેમની સામેલગીરીથી કેટલાક પ્રશ્ર્નો જાગી ઊઠ્યા હતા. જેમતેમ કરી તેઓ પ્રથમ દિવસે લક્કી ટેકરી પાસે પહોંચ્યા. અને રાત્રીના રોકાણ માટે આ સ્થળ સૌને અનુકૂળ લાગ્યું. જોકે ધાર્યા કરતા પંથ ઘણું ઓછું કપાયું હતું. આમ ને આમ તો ઘણું મોડું થશે. અને એનું કારણ પણ રાઈબાઈ જ છે, એવી વાત સંઘમાં સહુના મોઢે ચર્ચાતી રહી.

રાત્રીનો પ્રસાદ લેવાયો, ભજનની ચોસર થઈ, કેટલાક લોકોએ ચૂપચાપ કોઈ વાતને બધાને કાનોકાન મૂકી અને બધાના ચહેરા પર ખુશી જેવું વર્તાયું.

સૌ થાક્યાપાક્યા હોવાથી સૂવાની તૈયારી કરવા માંડ્યાં. રાઈબાઈ પણ ‘આઊં રે તૉજી બંધી બાવલિયા, પૅરીયાં પ્રેમજી ગંધી’ મેકણદાદાના ભજનનું સ્મરણ કરતાં નિદ્રાધીન થઈ ગયા. અને એ દ્રષ્ટિહીન આંખોમાં કોઈ ઘોડેસવાર મારતે ઘોડે આવી રહ્યું હોય એવું એમને અનુભવાઈ રહ્યું.

રાત્રીની નિરવ શાંતિમાં દબાતે પગલે સૌ એકબીજાને ઊઠવાનો સંકેત કરતાં કેટલાક લોકો સંઘમાં ફરી વળ્યા. અને સંઘ વહેલી સવારે ચૂપચાપ અહીંથી રવાનો થઈ ગયો.

સૂર્યનારાયણની પ્રથમ કીરણ અને પંખીઓના મધુર કિલ્લોલથી રાઈબાઈની આંખ ઊઘડી. તેઓ પોતાની લાકડી આમતેમ ગોતવા લાગ્યા. મંદમંદ વહેતા સમીરની સુગંધ પણ શંકા પ્રેરક હતી. એક ભય તેમના શરીરમાં ફરી વળ્યો. તેઓ બેબાકળા થઈ કહેવા લાગ્યા, ‘ભાઈ…ઊઠો..જલદી કરો…ઊઠો બધા, આપણને મોડું થઇ જશે..’ આમ તેઓ કેટલાય સમય સુધી પોકારતા રહ્યા. પણ! કોઈએ તેમને પ્રત્યુત્તર આપ્યો નહી, તેમણે ઊંડો શ્ર્વાસ લઈ પરખી લીધું કે અહીં માનવ વસ્તી જ નથી. તેમને અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. તો શું સંઘ મને એકલી મૂકીને રવાનો થઈ ગયો?

માગસર માસમાં પણ શ્રાવણ ભાદરવા જેવી નદીઓના પૂર આંખોમાં વહી નીકળ્યા. આક્રંદ; અને વલોપાતથી કિલ્લોલ કરતા પક્ષીઓ પણ ચૂપ થઈ ગયા. ઘડી પહેલાના વાતાવરણમાં રાઈબાઈના રૂદનના અવાજ સિવાય સમગ્ર વિસ્તારમાં નિરવ શાંતિ પથરાઈ ગઈ. 

પણ! અચાનક તેમના માથા ઉપર કોઈ હાથ ફેરવતું હોય તેવું રાઈબાઈએ અનુભવ્યું. શરીરમાં એક ઝણઝણાટી ફરી વળી. વલોપાતમાં પણ તેમને સુખદભાવાનુભૂતિ થવા લાગી.

‘બેટા! તું શું કામ રડે છે? અહીં તું એકલી છો. સગાઓનો સંતાપ ન કરો બેટા ! બધા સ્વાર્થને બાંધી પરમાર્થ કરવા ચાલ્યા ગયા. હવે શાંત થાવ..બેટા!

ઘોર જંગલમાં આવી સુમધુરવાણી સાંભળી રાઈબાઈના હૃદયમાં ભરતીએ માઝા મૂકી તેમણે રડતાં રડતાં જણાવ્યું. ‘બાપુ મને મારા સંઘવાળા એકલી મૂકીને ચાલેયા ગયા છે હવે હું શું કરું?

‘બેટા તારું ઘર ક્યાં છે? ચાલ, હું તને તારે ઘરે મૂકી આવું.’

‘ના બાપુ ના, હવે હું અહીંથી એક ડગલું પણ મારા ઘર તરફ નહીં માંડું, મારે તો માડીએ પીર પીથોરાજીના દર્શન માટે જાવું છે.

‘બેટા તારો સંઘ તો બહુ દૂર નીકળી ગયો છે. તું એકલી કેવી રીતે જઈશ?’

‘ના બાપુ હવે જે થવાનું હોય તે થાય, ભલે મારા પ્રાણ જાય પણ હું જઈશ તો માડીએ જ જઈશ.’

રાઈબાઈનો અડગ નિશ્ર્ચય જાણી, ઘોડેસવારે તેમની બંને આંખો પર ઘડીભર હાથ દબાવી દીધાં. રાઈબાઈ તો આ પરમાનુભૂતિથી એવા ડઘાઇ ગયા કે મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં.

‘બેટા! તમારી આંખો ખોલો!’ ઘોડેસ્વારે એમની આંખો પરથી પોતાના હાથ હટાવી લીધાં.

રાઈબાઈના ક્યારેય ન ખૂલેલા આંખોના પડળ એકદમ ઊઘડી ગયાં. તેમને બહુજ આશ્ર્ચર્ય થયું. ‘આ તો એજ ઘોડેસવાર! જે રાત્રે મારા હૃદય પર ઘોડા દોડાવતો હતો. તેમની પીરપિથોરાજીની અનન્ય ભક્તિના પ્રતાપે સમજાઈ ગયું કે આ જ છે પીર પિથોરાજી.

હર્ષાવેશથી તેમની આંખો વરસી પડી. રાઈબાઇ પીરપિથોરાજીના ચરણમાં અચેતનની જેમ ઢળી પડ્યા.

પીર પિથોરાજીએ કહ્યું;  ‘ઊભા થાવ બેટા! અને ઘેર જાવ’

પિથોરાજીની વાતથી હરખાઈને રાઇબાઈએ કહ્યું; ‘ના પ્રભુ ના! હવે ઘેર નથી જવું, હવે તો મને તમારી સાથે માડીએ આવવું છે. આ અધમ દૃષ્ટિહીનને દ્રષ્ટિ આપી અને પંગુતાને દૂર કરી, આપે દયા મારા પર કૃપા કરી છે. તમે મારા તારણહાર છો પ્રભુ દયા કરો અને મને માડીએ લઈ ચાલો.’

‘ચાલ બેટા ચાલ ….’ એટલું સાંભળતા હર્ષાવેશમાં રાઈબાઈની આંખો બંધ થઈ ગઈ. સ્થૂળ શરીર શુન્યાવકાશમાં ઝૂલતું હોય એવું સ્વાંત:સુખાય જેવું અનુભવાઈ રહ્યું.

એમણે આંખો ખોલી એક વિશાળ મંદિર તેમને દેખાવા માડ્યું. આજુબાજુ જોયું પણ કોઈ જ દેખાયું નહી. તેઓ દિગ્મૂઢ થઈ આમતેમ જોવા લાગ્યાં. તેમને થયું કે જરૂર પીથોરાપીરની પૂર્ણકૃપા મારા પર ઉતરી છે. અને સતત પ્રભુ નામસ્મરણ સાથે દિવસો પસાર કરવા લાગ્યા.

એક દિવસ ઝાંઝ,પખાજ, તબલાં; અને ભજનોની રમઝટનો અવાજ તેમને કાને પડ્યો. અને તે ધીરેધીરે તીવ્ર થતો જણાયો, તેમણે કાન સરવા કર્યા. એમને થયું કે કોઈ સંઘ આ તરફ આવી રહ્યો છે.

નજીક આવતાં જ સહુ એકબીજાને ઓળખી લીધા. સહુના ચહેરા પર આશ્ર્ચર્યની આભા ઝબકવા લાગી. સંઘમાંથી કોઈએ રાડ પાડી. રાઈબાઈ… રાઈબાઈ…! સંઘના સમુહમાં એકાએક સ્તબ્ધતા છવાઈ ગઈ. સૌ ઝંખવાણા પડી ગયા. રાઈબાઈને ત્યાં મૂકી આવવા બદલ સૌ પસ્તાવો કરવા લાગ્યા અને આ ચમત્કારને વંદી રહ્યાં.

રાઈબાઈએ સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે સહુની આંખના ખૂણા સ્ત્રવી રહ્યાં. સંઘે તેમને એકલા મૂકી આવવા બદલ પસ્તાવો થયો, અને  સૌએ તેમની માફી માંગી.

પણ! ક્ષમાવાન રાઈબાઈએ કહ્યું કે; ‘તમારા થકી જ મને  પેથલભાણના દર્શનનો લાભ મળ્યો. કદાચ તમે મને સાથે લઈને ચાલ્યા હોત તો મને આ લ્હાવો મળ્યો ન હોત. હું તમારો આભાર માનું એટલું ઓછું છે.’ અનાયાસે સંઘ તરફ તેમના હાથ જોડાઈ ગયા.

 સંઘના સૌ પિથોરાપીરના દર્શન કરી પોતપોતાને ધન્ય માનવા લાગ્યા. પછી તો દરરોજના સત્સંઘમાં દિવસો કેમ પસાર થઈ ગયાં તે કોઈને ખબર ન પડી. હવે સંઘ પરત આવવાની તૈયારી કરવા લાગ્યું.

સંઘના મોવડીએ હાથ જોડી રાઈબાઈને કહ્યું; ‘માતાજી ચાલો આપણા વતન પાછા ફરીયે…’

‘તમે જાવ, હવે હું મારો આયખો અહીં જ યાત્રાળુઓની સેવામાં અને પીર પેથલભાણની ભક્તિમાં વીતાવીશ’

સૌએ ઘણું સમજાવ્યું પણ! રાઈબાઈ એકના બે ન થયાં. આખરે સૌએ પીરપિથોરાજીની અને રાઈબાઈની જય જયકાર કરી પરત કચ્છ તરફ રવાના થયાં.

રાઈબાઈએ પોતાનું આયખું માડી ગામે પીર પિથોરાજીના દર્શને આવતા યાત્રાળુઓની સેવામાં વિતાવ્યું.

સંઘ પરત કચ્છ આવી પહોંચ્યું, ગામમાં પ્રવેશતાં પહેલા જ્યાં રાઈબાઈને મૂકી ચાલ્યા ગયાં હતાં તે સ્થળ લક્કી ટેકરી (વડવા હોથી) આવ્યાં અને તેમની યાદ‚માં એક ઓટલો બનાવ્યો. રાઈબાઈની જયજયકાર કરી પછી જ ગામમાં તેમણે પ્રવેશ કર્યો.

આજે તે જગ્યાએ પીર પિથોરાજી અને રાઈબાઈનું ભવ્ય મંદિર આવેલું છે. એટલું જ નહીં પણ પીરપિથોરાજીના કચ્છના દરેક સ્થાનો પર પિથોરાજી સાથે રાઈબાઈને સ્થાન આપવામાં આવ્યું છે. સિંધના માડી ગામના મંદિરમાં પણ તેમની સમાધી સાથે રાઈબાઈની સમાધી આવેલી છે.

 લોકવાયકા મુજબ આ ઘટનાને આશરે ૨૦૦થી ૨૫૦ વર્ષ થયા હશે. અનન્ય ભક્તિ-ભાવનું અનેરું ઉદાહરણ સાચવીને બેઠેલી આ લક્કી ટેકરી(વડવા હોથી) “યાવચ્ચંદ્રદિવાકરૌ”સુધી આ ગાથાને જીવંત રાખવા ઉન્નત મસ્તકે અડગ છે જેનું ગૌરવ છે.

(પૂરક માહિતી : હરેશ વણકર, નારાયણભાઈ સીજુ, ભુજોડી.)

Leave a comment